સપ્ટેમ્બર ૨, ૨૦૨૦[i]ના અમારા લેખમાં અમે સત્તાવાર માહિતીનો ઉપયોગ કરીને દેખાડ્યું હતું કે સરદાર સરોવર ડેમ (SSD)ને કારણે ભરૂચમાં જે પૂર આવ્યાં તેને ટાળવાનું શક્ય હતું. ડેમના હેઠવાસમાં ઑગસ્ટ ૨૯, ૨૦૨૦થી ઓચિંતા જ ૧૦.૭૨ લાખ ક્યુસેક પાણીનો જબ્બરદસ્ત જથ્થો છોડવામાં આવ્યો અને ભરૂચને પૂરની આફતે ઘેરી લીધું. સરદાર સરોવર ડૅમને લગતા બધા કાર્યકલાપ માટે જવાબદાર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડે (SSNNL) હજી સુધી એનો સ્પષ્ટ, સુસંગત અને તથ્ય આધારિત જવાબ નથી આપ્યો. જો કે, નિગમ/ગુજરાત સરકાર (GoG)ના કેટલાક પ્રવક્તાઓએ દાવો કર્યો છે કે સરદાર સરોવર ડેમને કારણે ભરૂચ બહુ મોટી હોનારતમાંથી બચી ગયું છે. આ દાવો પાયા વિનાનો તો છેજ, એ તાજા જખમ પર મીઠું ભભરાવવા જેવો પણ છે.
SSDનું સંચાલન કેમ થયું, કેમ થવું જોઈતું હતું, ભરૂચે જે જબ્બર સંકટ ભોગવ્યું તેના માટે કોણ જવાબદાર હતા તેની તપાસ માત્ર કોઈ સ્વતંત્ર પેનલ (જેમાં સરકારના કાર્યરત કે નિવૃત્ત અધિકારીઓ ન હોય) દ્વારા થાય તો જ આ સત્યને બહાર લાવી શકાશે.
SSNNLને સત્ય બહાર આવી જાય તેનો ડર શા માટે છે? આઘાતજનક વાત તો એ છે કે આ તારાજી કેમ થઈ તેનો ખુલાસો પણ SSNNLએ હજી સુધી નથી કર્યો. સપ્ટેમ્બર ૪, ૨૦૨૦ના અમને શ્રી લક્ષ્મીકાન્ત એસ. શર્મા નામના એક સાહેબનો ઈ-મેઇલ મળ્યો. એમના સહિત ચાર લેખકોએ “Systematic operation of Sardar Sarovar reservoir helps avert severe flood in Bharuch” (સરદાર સરોવરના જળાશયના પદ્ધતિસરના સંચાલનને કારણે ભરૂચ ભયંકર પૂરને રોકી શકાયું છે). એ શીર્ષક હેઠળ એક નોટ લખી છે. ભરૂચમાં વિનાશક પૂર આવ્યાં તેમાં SSDની કાર્યવાહીનું મેં વિશ્લેષણ કર્યું તેના પર મને ઘણા અભિપ્રાય મળ્યા, તેમાં આ અભિપ્રાય પણ હતો. મેં લક્ષ્મીકાન્તજીને જવાબ આપ્યોઃ ” આ નોટ મને મોકલવા બદલ આભાર. આ તબક્કે જવાબમાં હું એટલું જ કહીશ કે આપ જે કહો છો તેના જવાબમાં ઘણું કહી શકાય એમ છે, પરંતુ હમણાં તો SSNNLના અધિકૃત પ્રતિભાવની રાહ જોઈએ. બસ, એટલી આશા છે કે SSDથી આગળના હેઠવાસમાં રહેતા ગુજરાતીઓ અને નર્મદા નદી તેમ જ ડેમના હેઠવાસની ઈકો-સિસ્ટમ પ્રત્યે માનવતાભર્યો અને ન્યાયપૂર્ણ વ્યવહાર થાય; પણ આજે તો એવું કંઈ જોવા મળતું નથી.”
૪ સપ્ટેમ્બરની સાંજે, SSNNLના ઑફિશ્યલ ટ્વિટર હૅંડલે PMOIndia, CMOGujarat, ડૉ. રાજીવ કુમાર ગુપ્તા (SSNNL CMD) and CWC FFને ટૅગ કરીને ટ્વીટ કર્યું: “૪ નિષ્ણાતોએ કરેલું સ્વતંત્ર વિશ્લેષણ દેખાડે છે કે સરદાર સરોવર ડેમના પદ્ધતિસરના ઑપરેશનને કારણે ભરૂચમાં ભયંકર પૂર આવતાં અટકાવી શકાયાં છે. નર્મદા બેસિનને જળાશયના સંકલિત ઑપરેશનનો ઉત્તમ દાખલો ગણાવતાં, આ ઑપરેશનને ટાળી શકાય એવી હોનારત ગણાવનારા ટીકાકારોને ખોટા પાડ્યા છે.”
SANDRPએ એ જ સાંજે જવાબી ટ્વીટમાં ઉપર જણાવેલા બધાને ટૅગ કરીને લખ્યું: “SSNNL સત્તાવાર પ્રતિભાવને બદલે શા માટે નિવૃત્ત સરકારી અધિકારીઓના ખભે બંદૂક મૂકીને ગોળીબાર કરે છે? અમે ઇચ્છીએ છીએ કે SSDના હેઠવાસમાં રહેતા ગુજરાતીઓ પ્રત્યે SSNNL માનવતા દેખાડે કારણ કે એમણે બહુ સહન કર્યું છે, જે તદ્દન જ ટાળી શકાય એવું હતું. એમની યાતના દૂર કરવાનો પ્રયત્ન થતો હોય તેના કોઈ પુરાવા નથી.”
SSNNLએ તે પછી કંઈ જવાબ નથી આપ્યો.
૫ સપ્ટેમ્બરની રાતે, SSNNLના લેટરહેડ જેવા જણાતા કાગળ પર ગુજરાતી અને અંગ્રેજીમાં બે પાનાનું નિવેદન ફરતું થયું, જેમાં ચાર ભૂતપૂર્વ સરકારી ઉચ્ચ અધિકારીઓનો અભિપ્રાય ટાંક્યો હતો. નિવેદનમાં કોઈનું નામ, સહી, તારીખ કંઈ નહોતું એટલે એને બહુ મહત્ત્વ આપવા જેવું ન લાગ્યું. ખાસ તો, SSNNLની સત્તાવાર વેબસાઇટ (https://www.sardarsarovardam.org/) કે એના ટ્વિટર હૅંડલે પણ આ નિવેદન લીધું નથી.
આના પરથી લાગે છે કે SSNNLને સત્ય બહાર આવી જાય તેની થોડીઘણી બીક લાગે છે.
ચાર નિવૃત્ત અધિકારીઓનો અભિપ્રાય પહેલાં જ એ જાણીને આંચકો લાગે કે ઉપર આપેલા ટ્વીટમાં SSNNL આ નોટને ચાર નિષ્ણાતોનું સ્વતંત્ર વિશ્લેષણ ગણાવે છે, પણ સાફ દેખાઈ આવે છે કે એ સ્વતંત્ર પણ નથી અને વિશ્લેષણ પણ નથી. અને એ પણ જાણી શકાય તેમ નથી કે આ ચાર નિવૃત્ત અધિકારીઓશી રીતે ડેમના સંચાલન અને એને લગતા બીજા વિષયોમાં નિષ્ણાત છે. આ એક વસ્તુ દેખાડી આપે છે કે SSNNL એવી કોઈ વાતને છાવરવા માગે છે જેનો બચાવ થઈ શકે તેમ નથી અને એને ખબર નથી પડતી કે શો જવાબ આપવો. ચાર પાનાંની આ નોટમાં “સ્ટેટ ઑફ ધી આર્ટ ટૅકનૉલૉજી”, “વૈજ્ઞાનિક પૃથક્કરણ” “કો-ઑર્ડીનેટેડ ઑપરેશન”, “સ્ટૉકૅસ્ટિક હાઇડ્રોલૉજિકલ એનાલિસિસ કોઈ પણ મોટા ડેમની સ્પિલ-વે ગેટ્સને લગતી કામગીરી માટે એન્જીનિયરિંગના નક્કર સિદ્ધાંત અને વ્યવહારુ નિયમો” અને “વૈજ્ઞાનિક રીતે પૂરનું અનુમાન કરીને સુરક્ષિતપણે (વધારાના પાણીનો) નિકાલ” વગેરે આંજી નાખે તેવા પણ પોકળ શબ્દો છે. નોટમાં કોઈ સંદર્ભ નથી કે એના દાવાના ટેકામાં કંઈ કહ્યું નથી, હકીકતો કે આંકડા સાથ કોઈ સંદર્ભ પણ નથી આપ્યા. એના ઉપરથી નોટની ગુણવત્તા વિશે બહુ સારો અંદાજ આવી જાય છે.
નોટની શરૂઆતમાં કહ્યું છે કે “અમરકંટકથી સરદાર સરોવર પ્રોજેક્ટ (૧૧૬૩ કિ. મી.) ના આખા નર્મદાના પટ્ટામાં છેલ્લા એક પખવાડિયામાં (૧૬ ઑગસ્ટથી ૩૧ ઑગસ્ટ) ભારે વરસદ પડ્યો.” આ ભારે ચતુરાઈભર્યો દાવો છે કારણ કે એમાંથી તરત જ સવાલ ઊભો થાય છે કે, વરસાદ ૧૬મી ઑગસ્ટથી જ પડતો હતો તો સરદાર સરોવર નિગમ છેક ૨૮મી ઑગસ્ટની રાતે કેમ જાગ્યું? ખરું જોતાં, એમાંથી તો મેં મારી નોટમાં જે કહ્યું છે તેને જ ટેકો મળે છે કે SSNNLએ ૨૮મી ઑગસ્ટથી પહેલાં જ પાણી છોડવાનું શરૂ કરી દેવું જોઈતું હતું.
નોટના લેખકોએ અમે દૈનિક વરસાદનું જે વિવરણ આપ્યું છે તેની વિગતોમાં જવું જોઈતું હતું પણ એમને ખબર હતી કે એ એમના હેતુ માટે કામ નહીં આવે.
હકીકતમાં ૨૧મી અને ૨૨મી ઑગસ્ટે પણ નર્મદા બેસિનમાં બહુ જ ભારે વરસાદ પડ્યો હતો. હવામાન ખાતા(IMD)ના રિપોર્ટ પ્રમાણે ૨૩મી ઑગસ્ટ ૨૦૨૦ના સવારે સાડા આઠ વાગ્યે પૂરા થયેલા ૪૮ કલાક દરમિયાન જિલ્લાવાર વરસાદના આંકડા આ પ્રમાણે હતાઃ ઇંદોરઃ ૨૭૩.૨ મિમી, શિહોરઃ ૨૩૭.૬ મિમી, ખંડવાઃ ૨૨૪.૭ મિમી, રાયસેનઃ ૧૪૭.૮ મિમી, ધારઃ ૧૩૪.૪ મિમી હોશંગાબાદઃ૧૨૨.૩ મિમી, હરદાઃ ૧૧૨.૮ મિમી. આટલો વરસાદ પડ્યો તે જ ૨૧મી-૨૨મી ઑગસ્ટે જ SSPનાં ગેટ ખોલી નાખવાનું શરૂ કરવાનું મુખ્ય કારણ હોવું જોઈતું હતું. એમ કર્યું હોત તો તે પછીનાં બે અઠવાડિયાંમાં દરરોજ ૩ લાખ ક્યુસેક પાણી છોડવા માટે નિગમને પૂરતો સમય મળ્યો હોત. તો, ભરૂચને પૂરનાં વિનાશક પરિણામોથી પણ બચાવી શકાયું હોત અને આ પાણી લોકોને, નદીને, ઈકો-સિસ્ટમને કામ આવ્યું હોત, એટલું જ નહીં, વીજળી બનાવવા માટે પણ ઉપયોગી થયું હોત (એના વિશે વિગતવાર નીચે આપ્યું છે).
આ ભારે વરસાદને કારણે ૨૨મી ઑગસ્ટે SSPમાં ઓચિંતો પાણીની જબ્બર આવક થયો. નીચે આપેલા CWCના હાઇડ્રોગ્રાફમાંથી આ વાત સ્પષ્ટ થાય છે.

ભારે વરસાદને કારણે, NCAનાં દૈનિક બુલેટિનો દેખાડે છે તેમ [ii], SSPમાં પાણીની આવક ૨૨મી ઑગસ્ટે ૮૩૨ ક્યુમૅક્સ (દર સેકંડે ઘન મીટર) હતી તે ૨૪મી ઑગસ્ટે છગણી વધીને ૫,૩૧૧ ક્યુમૅક્સ પર પહોંચી ગઈ અને ફરી ૨૭મી ઑગસ્ટે થોડી ઘટીને ૨,૫૭૬ ક્યુમેક્સ થઈ. આ પણ અમલ કરવા જેવી માહિતી હતી (CWCનો હાઇડ્રોગ્રાફ અને NCAનાં બુલેટિનો). એ દેખાડે છે કે SSNNLએ ૨૨મી ઑગસ્ટથી ગેટ ખોલવાનું શરૂ કરવાની જરૂર હતી.
એનાથી થોડા જ દિવસો પહેલાં, ૧૯મી ઑગસ્ટે નર્મદા બેસિનના ઉપરવાસમાં ભારે વરસાદનો એક તબક્કો આવી ગયો, જેને પરિણામે, બારગી ડેમમાં પાણીની સૌથી વધારે આવક થઈ અને નીચેનો હાઇડ્રોગ્રાફ દેખાડે છે તેમ ડેમમાં જળસપાટી FRL (ફુલ રિઝર્વોયર લેવલ) પર પહોંચી.

IMDના રિપોર્ટ પ્રમાણે ઑગસ્ટની ૧૬, ૧૭ અને ૧૮મીએ, ત્રણ દિવસ, નર્મદા બેસિનમાં ભારે વરસાદ થયો હતો. આ ત્રણ દિવસના અંતે ૧૯મી ઑગસ્ટે સવારે સાડા આઠે વરસાદના આ આંકડા નોંધાયાઃ માંડલા: ૧૪૦.૯ મિમી; જબલપુર: ૧૨૫ મિમી; ડિંડોરીઃ ૧૨૨.૬ મિમી; બાલાઘાટઃ ૧૧૫.૫ મિમી અને કટનીઃ ૯૩.૯ મિમી. SSNNLએ આ માહિતી અનુસાર પગલાં લીધાં હોત તો ૧૬મી ઑગસ્ટથી સ્પિલ-વે ગેટ ખોલવાનું શરૂ કરવાની સાથે વીજળી ઉત્પન્ન કરવા માટે પાણીનો પૂરેપૂરો ઉપયોગ કર્યો હોત.
દેખાઈ આવે છે કે ગુજરાત સરકારના ચાર નિવૃત્ત અધિકારીઓએ તદ્દન પ્રાથમિક ‘હોમવર્ક’ પણ નથી કર્યું.
એમનો બીજો દાવો એ છે કે ભારે વરસાદને કારણે મધ્ય પ્રદેશમાં નર્મદા ખીણ પ્રદેશના મોટા ડેમો, જેમ કે ઇંદિરા સાગર, ઓમકારેશ્વર, બારગી, તવા વગેરે ભરાઈ ગયા. હા, એમની વાત સાચી છે. ખરેખર, અમે પહેલાં જ નોંધ લીધી છે કે બારગી ૧૯મી ઑગસ્ટની આસપાસ છલકાઈ ગયો હતો. CWCનું ૨૭મી ઑગસ્ટનું જળાશયો માટેનું બુલેટિન કહે છે કે [iii]: તવા ૯૫ ટકા, બારગી ૯૩ ટકા, ઇંદિરા સાગર ૯૨ ટકા, બરના ૯૦ ટકા ભરાઈ ગયા છે. ખરેખર તો આ બુલેટિન દેખાડે છે કે SSNNLએ SSPનાં પાવર સ્ટેશનો વહેલાં શરૂ કરવાં જોઈતાં હતાં અને સ્પિલ-વે ગેટ પણ બહુ પહેલાં ખોલી નાખવાં જોઈતાં હતાં.
ચાર અધિકારીઓની નોટમાં કેટલાંક આંચકો આપે તેવાં સંવેદનશૂન્ય કથનો છેઃ “ભરૂચ શહેરના લોકો અને નર્મદા કાંઠાનાં ૩૦ ગામોના લોકોની સલામતીને ધ્યાનમાં લઈને” અને “સરદાર સરોવર ડેમને કારણે પૂરનાં નુકસાનના ફટકાથી ૩૦,૦૦૦ હૅક્ટર જમીન બચી ગઈ છે” અને “નર્મદા બેસિનમાં ભારે વરસાદ છતાં લોકો આ વર્ષે રાહતનો શ્વાસ લઈ શકે છે.” આ કથનો બહુ જ પીડાદાયક અને દુઃખી કરી મૂકે એવાં છે. ભરૂચની લાખોની વસ્તીએ ચાર દિવસ જે યાતના ભોગવી તેના માટે સહાનુભૂતિ અને દુઃખ વ્યક્ત કરવાને બદલે આવા દાવા કરીને એમણે લોકોનાં દુઃખમાં વધારો કર્યો છે, અને એમ જ હોય ને, કારણ કે એમાંથી કોઈ જાતનો સધિયારો તો મળે એમ નથી.
SSNNLએ રૂ. ૮૫ કરોડ પાણી ભેગા વહેવડાવી દીધા? પાણીને સ્પિલવે મારફતે વહેવડાવી દેવાને બદલે એનો સદુપયોગ થઈ શક્યો હોત. એક તો, SSNNLએ ૧૨૦૦ મેગાવૉટના રિવર બેડ પાવર હાઉસ (RBPH) અને ૨૫૦ મેગાવૉટના કેનાલ હેડ પાવર હાઉસ (CHPH)ને વધારે લાંબા વખત માટે પૂરેપૂરી ક્ષમતા પર ચલાવીને વીજળી ઉત્પન્ન કરવી જોઈતી હતી. નર્મદા કંટ્રોલ ઑથોરિટીના ‘ડેઇલી સ્ટેટસ રિપોર્ટ’ [iv] અને ‘ડેઇલી પ્લાંટ રિપોર્ટ ઑફ SSP પાવર હાઉસિસ’ [v], વાંચતાં એક વાત સ્પષ્ટ થાય છે કે ૧૪મી જુલાઈથી ૨૫મી ઑગસ્ટ સુધી RBPHમાં શૂન્ય વીજળી ઉત્પન્ન થતી હતી અને CHPHમાં તો ૨૫મી ઑગસ્ટે પણ વીજળી પેદા ન થઈ, ૨૬મીએ એનાં પાંચ ૫૦ મેગાવૉટનાં એકમોમાંથી માત્ર એક એકમે ૨૪ કલાકમાંથી ૧૧ કલાક કામ કરીને માત્ર 0.509 MU (મિલિયન યુનિટ્સ) વીજળી ઉત્પન્ન કરી. માત્ર સપ્ટેમ્બર 3ના RBPH અને CHPH બન્ને પૂર્ણ ક્ષમતાથી કામ કરવા લાગ્યાં. SSNNL કંઈ નહીં તો ૨૧મી ઑગસ્ટથી શક્ય તેટલી બધી વીજળી પેદા કરી શક્યું હોત (NCA અને મધ્ય પ્રદેશ તેમ જ મહારાષ્ટ્ર, એ બન્ને લાભાર્થી રાજ્યો સાથે વિચાર વિનિમય કરીને, કારણ કે એ વીજળી પર એમનો હક હોત એટલે એમણે ના તો ન જ પાડી હોત). SSPએ વધારાના લગભગ દસ દિવસમાં બીજી ૨૮૩.૮૫ MU વીજળી પેદા કરી હોત. એનો અર્થ એ કે એક યુનિટના રૂ. ૩ ગણીએ તો વધારાના રૂ. ૮૫ કરોડ રૂપિયાની વીજળી બનાવી શકાઈ હોત. પરંતુ કોઈ વિચિત્ર અને અકળ કારણે SSNNLએ પાણીનો ઉપયોગ ઉત્પાદક રીતે ન કર્યો. એ પગલું લીધું હોત તો ભરૂચની પૂરની આફતને પણ ટાળી શકાઈ હોત.
પૂરના વિનાશની નવી અસરો ગુજરાત સરકારે ભરૂચના પૂરને કારણે થયેલા નુકસાનનો કયાસ કાઢવાનું શરૂ કર્યું હોય તેવા કોઈ સંકેત હજી મળતા નથી, વિનાશનાં જુદાં જુદાં રૂપો તો હજી પ્રગટ થય છે. એક રૂપ એ છે કે. નર્મદા અને એને મળતી નદીઓના કાઠે જમીનનું વ્યાપક ધોવાણ થયું છે. બીજું એ કે નદીના મુખપ્રદેશમાં માછીમારો એમનું ગુજરાનનું સાધન ખોઈ બેઠા છે. હજી તો પૂરનો વિનાશ ઘણાંય રૂપ ધારણ કરીને આવતા થોડા વખતમાં પ્રગટતો રહેશે.
ભરૂચની પૂર હોનારત વિશે સ્વતંત્ર તપાસની જરૂર ૨૯ ઑગસ્ટ અને ૨ સપ્ટેમ્બર ૨૦૨૦ વચ્ચે ભરૂચે જબ્બરદસ્ત વિનાશક પૂરનો અનુભવ કર્યો એમાં શંકા નથી. એ સમય દરમિયાન સ્થાનિક વરસાદ નહોતો થયો. પૂરની દુર્ઘટના ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણીનો જબ્બર જથ્થો છોડવામાં આવ્યો તેને કારણે જ બની. આ હકીકતો અંગે કોઈ વિવાદ નથી. વણઉકલેલો સવાલ છે કે, ભરૂચમાં આટલી મોટી આફત આવી તેને ટાળવા માટે કે એની ભયંકરતા ઓછી કરવા માટે સૌ જાણી શકે તેવી માહિતી હાથવગી હતી તેના આધારે ડેમમાં પાણીનો નિકાલ જુદી રીતે થઈ શક્યો હોત કે કેમ? આપણે આ સવાલનો (અને એના બધા પેટા સવાલોનો) પ્રતીતિકર, સત્ય-આધારિત જવાબ ન મેળવીએ અને SSDના ઑપરેશન માટે કોણ જવાબદાર છે તે નક્કી ન કરીએ અને ભવિષ્ય માટે કોઈ બોધપાઠ ન લઈએ, અને તેને બદલે આ હોનારત માટે જવાબદાર SSNNLના દાવાને સાચો માની લઈશું તો એ ભવિષ્યમાં વધારે વિકરાળ આફતને આમંત્રણ આપ્યા જેવું ગણાશે.
હિમાંશુ ઠક્કર(ht.sandrp@gmail.com)
અનુવાદઃ દીપક ધોળકિયા (dipak.dholakia@gmail.com)
Original English: https://sandrp.in/2020/09/06/ssd-induced-bharuch-flood-disaster-ssnnl-claims-it-saved-bharuch/
સંદર્ભ:
[i] https://sandrp.in/2020/09/02/sardar-sarovar-creates-avoidable-flood-disaster-in-bharuch/ (અંગ્રેજી) અને https://tinyurl.com/y5naz3sp (ગુજરાતી)
[ii] http://nca.gov.in/dsr/dsr-aug-20/dsr-22-aug-2020.pdf, http://nca.gov.in/dsr/dsr-aug-20/dsr-23-aug-2020.pdf, http://nca.gov.in/dsr/dsr-aug-20/dsr-24-aug-2020.pdf, http://nca.gov.in/dsr/dsr-aug-20/dsr-27-aug-2020.pdf
[iii] http://cwc.gov.in/sites/default/files/27082020-full-bul.pdf