Dam Induced Flood Disaster · Gujarat · Gujarati blog · Narmada

ભરૂચમાં પૂરની તારાજી માટે સરદાર સરોવર જવાબદાર

સરદાર સરોવર ડૅમ (SSD)ના સંચાલકો જરાય વિચાર કર્યા વિના, અને કહી શકો કે, ક્રૂરતાથી, પાણી કેટલું છોડવું, ક્યારે છોડવું તેના નિર્ણયો લે છે. એમના નિર્ણયની અસર હેઠવાસમાં શું થશે તેના પર તો જરાય ધ્યાન નથી આપતા.  કંઈ નહીં તો, ૨૬મી ઑગસ્ટ ૨૦૨૦થી જ એમને સત્તાવાર માહિતી મળી ગઈ હતી કે  ભારે વરસાદને કારણે નર્મદાના ઉપરવાસમાં પાણી વધવા લાગ્યું છે. આ માહિતી પર એ કામ કરી શક્યા હોત તેમ છતાં ૨૯મી ઑગસ્ટ, શનિવારની વહેલી સવાર સુધી એમણે ડેમનાં સ્પિલ-વે ગેટ્સમાંથી પાણી ન છોડ્યું.  ડૅમ ૭૦ ટકા ભરાઈ ગયો હોવા છતાં એમણે પાવર હાઉસો પણ ન ચલાવ્યાં. ઓચિંતા જ ૨૯મીની રાતે એમણે દસ લાખ ક્યુસેક – દર સેકંડે ઘન ફૂટ (૨૮,૩૨૦ ક્યુમૅક એટલે કે દર સેકંડે ઘન મીટર) પાણી  છોડવાનું શરૂ કરી દીધું [i].. ત્રણ દિવસ પછી ૧ સપ્ટેમ્બર, મંગળવારની સાંજે એમણે મોટા ભાગનાં સ્પિલ ગેટ બંધ કરી દીધાં. આમ સ્પિલ-વેમાંથી નીકળતા પાણીનો જથ્થો પહેલાં કરતાં માત્ર દસમા ભાગનો રહ્યો. આ ૩-૪ દિવસમાં (૨૯મી ઑગસ્ટ અને ૧લી સપ્ટેમ્બર વચ્ચે) પાણીનો ૩૦,૦૦૦ ક્યુમૅક સુધીનોજબ્બરદસ્ત જથ્થો સ્પિલ-વે મારફતે છોડવામાં આવ્યો; એના પહેલાં કે તેના પછી કંઈ જ નહીં! પરિણામે હેઠવાસમાં ગરૂડેશ્વરથી ચાંદોદ અને ભરૂચ સુધી પૂરનાં વિનાશકારી પાણી ફરી વળ્યાં. પરંતુ લાગે છે કે, સરદાર સરોવર પ્રોજેક્ટ (SSP)ના સત્તાવાળાઓ અથવા ગુજરાત સરકારના પેટનું પાણી પણ નથી હાલ્યું. હવે સમય આવી ગયો છે કે ગુજરાતની જનતા જાગે અને આ માનવસર્જિત તારાજી માટે SSPના ખેરખાંઓનો જવાબ માગે.

ખરેખર તો આ બેવડી બરબાદી છેઃ  એક તો, પૂરની હોનારતને રોકી શકાઈ હોત પણ એમણે ઊભી કરી. બીજી બરબાદી એ છે કે આ પાણી નદીમાં લાંબા ગાળામાં છોડી શકાયું હોત પણ એ હેતુ માટે એનો ઉપયોગ ન થયો.

સત્તાવાળાઓ હેઠવાસના વિસ્તારોમાં ૩-૪ દિવસ ચાલેલી આટલી મોટા પાયાની પાયમાલીને ટાળી ન શક્યા હોત? તેને બદલે અટકી અટકીને કેટલાક દિવસોમાં પાણી છોડી ન શક્યા હોત, જેથી બરબાદી થવાને બદલે હેઠવાસમાં નદી અને આસપાસના પ્રદેશોને એ પાણીનો લાભ મળ્યો હોત? SSPના અધિકારીઓ પાસે અગમચેતી રૂપે થોડો થોડો જથ્થો છોડવા માટે યોગ્ય ગણાય તેવી માહિતી નહોતી? એવી માહિતી હતી તો એનો એમણે ઉપયોગ કેમ ન કર્યો? કોણ જવાબદાર છે? શી કાર્યવાહી થઈ શકે અને થવી જોઈએ?

હેઠવાસમાં તારાજીઃ ૨૯મી ઑગસ્ટે એટલી ભારે માત્રામાં પાણી છોડવામાં આવ્યું કે ટાઇમ્સ ઑફ ઇંડિયાએ સમાચાર આપ્યાઃ “ભરૂચ જિલ્લામાં ઝગડિયા, ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં નર્મદાના પાળા નજીક આવેલાં ૨૧ ગામોને સાવધાન કરી દેવાયાં છે…શનિવારે ભરૂચ જિલ્લાના વહીવટીતંત્રે પૂરની ચેતવણી આપ્યા પછી નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ(NDRF)ની એક ટીમને રાહત અને ઉગાર કામ માટે તૈયાર રાખવામાં આવી છે… ભરૂચના જિલ્લા કલેક્ટર ડૉ. એમ. ડી. મોદિયાએ કહ્યું કે “ઝગડિયા, ભરૂચ અને અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદીમાં ન જવાની અને સાબદા રહેવાની સલાહ આપવામાં આવી છે. વહીવટીતંત્ર કોઈ પણ અનિચ્છનીય સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.””

ANIએ ૩૧મી ઑગસ્ટ, સોમવારે સમાચાર [ii]  આપ્યા કે “આજે સરદાર સરોવર ડેમમાંથી ૧૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. એની અસર ડૅમની નજીકનાં ૩૦ ગામોને થઈ છે. પૂર જેવી સ્થિતિનો ભોગ બનેલાં ૪,૯૭૭ જણને બીજે ખસેડવામાં આવ્યાં છે. ભરૂચના જિલ્લા મૅજિસ્ટ્રેટ એમ. ડી. મોદિયાએ કહ્યું કે અત્યારે ગોલ્ડન બ્રિજ પાસે પાણીની સપાટી ૩૨.૬૮ ફુટ છે.”

ગુજરાતી છાપાંઓના રિપોર્ટ[iii], (SSDનાં ૩૦માંથી ૨૩ સ્પિલ-વે ગેટ ખોલી નંખાયાં તે પછી) પ્રમાણે  છેલ્લાં ૫૦ વર્ષમાં ૭મી વાર પાણીની સપાટી ૩૪ ફુટનો આંક વટાવીને  ૩૫.૧૭ ફુટ (૧૦.૭૨ મીટર) સુધી પહોંચી છે. લાખોના રોજગાર ડૂબી ગયા અને ઓછામાં ઓછા ૬,૫૦૫ લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે. જૂના ભરૂચ શહેરની શેરીઓમાં હોડીઓ તરતી હતી. પાણી ૪,૦૦૦ દુકાનોમાં ભરાઈ જતાં જબ્બરદસ્ત નુકસાન થયું છે. ૨૦,૦૦૦ હેક્ટર જમીનમાં પાકનો નાશ થયો છે. ગરૂડેશ્વરમાં નર્મદેશ્વરનું મંદિર પૂરમાં તણાઈ ગયું છે.

ટાઇમ્સ ઑફ ઇંડિયાના આ વીડિયોમાં ભરૂચના વિસ્તારમાં પૂરની સ્થિતિ જોવા મળે છે. [iv]

સેંટ્રલ વૉટર કમિશન (CWC)એ પણ ટ્વીટ કરીને કહ્યું કે SSPએ પાણી છોડતાં હેઠવાસના વિસ્તારોમાં પૂર આવ્યાં છેઃ https://twitter.com/CWCOfficial_FF/status/1300786574376996864.

SSPના અધિકારીઓએ ડૅમનું સંચાલન શી રીતે કર્યું? CWCની પૂરની આગાહીની વ્યવસ્થા  ફ્લડ ફૉરકાસ્ટિંગ (FF) [v],  નર્મદા કંટ્રોલ ઑથોરિટી (NCA)નાં દૈનિક બુલેટિનો [vi] અને બીજી ઉપલબ્ધ માહિતી તારવતાં આપણે સમજી શકીશું કે આ આખી ઘટના દરમ્યાન સત્તાવાળાઓએ SSDમાં પાણી વિશે શું કર્યું. આ સ્રોતોમાં અમુક બાબતોમાં પરસ્પર વિરોધી માહિતી છે. આવું જોવા મળ્યું છે ત્યાં અમે CWC-FFના હાઇડ્રોગ્રાફ (જળસ્તરના આલેખ)ને આધાર તરીકે લીધા છે, કારણ કે NCAનાં બુલેટિનો કરતાં એમાં વધારે માહિતી છે. NCAનાં બુલેટિનો માત્ર રોજેરોજની સરેરાશ આપે છે.

CWC એ આપેલો SSDનો હાઇડ્રોગ્રાફ જોતાં જણાશે કે ઑગસ્તની ૨૯મીના ૦૦.૦૦ કલાક સુધી સ્પિલ-વેમાંથી જરાયે પાણી છોડવામાં નહોતું આવ્યું.

૨૮મી ઑગસ્ટનું NCA બુલેટિન પણ દેખાડે છે કે SSDના સ્પિલ-વેમાંથી પાણી છોડાયું નહોતું. ૨૯મી ઑગસ્ટનું NCAબુલેટિન (સવારના ૮ વાગ્યાની સ્થિતિ) દર્શાવે છે કે સ્પિલ-વે વાટે ૩,૨૩૧.૪ ક્યુમૅક પાણી છોડાયું અને એમાં આપણે RBPH (રિવર બેડ પાવર હાઉસ)દ્વારા છોડાયેલું ૧,૧૧૪.૬ ક્યુમૅક પાણી ઉમેરીએ તો કુલ  ૪,૩૪૬ ક્યુમૅક પાણી છોડાયું.  શક્ય છે કે આ ૨૯મી ઑગસ્ટે સવારે ૮ વાગ્યે પૂરા થતા ૨૪ કલાકનો સરેરાશ આંકડો હોય. એ જ રીતે, ૩૦મી ઑગસ્ટ, ૩૧મી ઑગસ્ટ, પહેલી સપ્ટેમ્બર અને બીજી સપ્ટેમ્બરે  અનુક્રમે ૧૭,૩૪૩ ક્યુમૅક, ૨૫,૭૨૬ ક્યુમૅક, ૨૯,૮૮૭  ક્યુમેક અને ૨૩,૪૧૦ ક્યુમેક પાણી છોડાયું.

નીચે આપેલો SSDનો હાઇડ્રોગ્રાફ ઑગસ્ટ ૩૦થી સપ્ટેમ્બર ૨ સુધીની છેલ્લામાં છેલ્લી સ્થિતિ દેખાડે છે.

NCAનાં બુલેટિનોમાંથી એ પણ છતું થાય છે કે SSPનાં પાવર હાઉસોમાં ૨૫મી ઑગસ્ટે શૂન્ય વીજળી ઉત્પન્ન થઈ, ૨૬મીએ ૦.૫૦૯ MUનું નજીવું ઉત્પાદન થયું, ૨૭મીએ ૧૦ MUનું ઉત્પાદન થયું જે ૨ સપટેમ્બરે હરણફાળ ભરીને ૨૬. ૯૧ મિલિયન યુનિટ્સ પર પહોંચી ગયું. એ દિવસે પાવર હાઉસોએ ૧, ૫૫૨ ક્યુમૅક પાણી છોડ્યું.  આનો અર્થ એ જ કે ૨૯મી ઑગસ્ટ પહેલાં પાવર સ્ટેશનો એમની ઉત્પાદનક્ષમતા કરતાં ઓછી વીજળી ઉત્પન્ન કરતાં હતાં. જે એમની ક્ષમતાનો બરાબર ઉપયોગ થયો હોત તો ડેમમાં પાણીની સપાટી નીચે ઊતરી હોત. ઑગસ્ટની ૨૫મી, ૨૬મી, ૨૭મી અને ૨૮મીએ અનુક્રમે માત્ર ૪.૪ ક્યુમૅક, ૧૧૭ ક્યુમૅક, ૬૮૮ ક્યુમૅક  અને ૧,૧૧૪ ક્યુમૅક પાણી છોડાયું. આ દેખાડે છે કે  SSPના સત્તાવાળા આ દિવસો અને તે પહેલાં પણ પાણી સંઘરીને બેઠા રહ્યા. ડૅમમાંથી વધારે પ્રમાણમાં નિયમિત રીતે પાણી છોડાયું હોત તો લોકોને, નદીને અને ઈકોસિસ્ટમને કામ આવ્યું હોત, એટલું જ નહીં પરંતુ આ હોનારતથી પણ બચી શકાયું હોત.

નીચે ગરૂડેશ્વર પાસે નર્મદા નદીના બે હાઇડ્રોગ્રાફ આપ્યા છે.  એમાંથી જોઈ શકાશે કે ૨૯મી ઑગસ્ટે સાંજના ૪ વાગ્યાના સુમારે પાણીની સપાટી ૨૨ મીટર હતી જે ૩૦મી ઑગસ્ટે સાંજના ૭ વાગ્યાના સુમારે ભયસૂચક આંક ૩૦.૪૮ મીટર વટાવી ગઈ હતી. ૧લી સપ્ટેમ્બરે બપોરે ૩ વાગ્યે એ વધારે ઊંચે ચડીને ૩૩.૧ મીટર થઈ, તે પછી નીચે ઊતરવા લાગી અને ૨ સપ્ટેમ્બરની મધરાતના સુમારે ભયસૂચક આંકની નીચે આવી ગઈ.

ભરૂચ પાસે નર્મદાની જળસપાટીનું વિવરણ નીચે આપેલા બે હાઇડ્રોગ્રાફમાંથી મળશે.  ભરૂચ પાસે ૨૯મી ઑગસ્ટે રાતના ૮ વાગ્યા સુધી પાણીની સપાટી ૪.૮૫ મીટર હતી. તે પછી એ ચડવા લાગી અને ૧ સપ્ટેમ્બરે બપોરના ૩ વાગ્યે ૧૦.૬ મીટર પર પહોંચી. તે પછી ૧૦.૭૨ મીટરની ઊંચાઈ સુધી પહોંચીને સાંજથી પાણી ઓસરવા લાગ્યાં અને સપ્ટેમ્બરની બીજી તારીખની સાંજે જળસપાટી  ૮.૭ મીટર રહી.

SSPના અધિકારીઓ આગોતરાં પગલાં ભરી શક્યા હોત તેવી માહિતી.  ભારતીય હવામાન શાસ્ત્ર વિભાગ (IMD) દરરોજ સવારે સાડાઆઠવાગ્યે પૂરા થતા ૨૪ કલાકમાં જિલ્લાવાર કેટલો વરસાદ પડ્યો તેના આંકડા રોજેરોજ આપે છે. આપણે ૨૭મી ઑગસ્ટ (એટલે કે ૨૬મી ઑગસ્ટે પડેલા વરસાદ)ના આંકડા જોઈએ.  નર્મદા ખીણના કેટલાક જિલ્લાના આંકડા આ પ્રમાણે છેઃ ડિંડોરી ૪૧૬ ટકા-સામાન્ય કરતાં વધારે, જબલપુર ૩૧૫ ટકા-સામાન્ય કરતાં વધારે, માંડલા ૨૫૪ ટકા-સામાન્ય કરતાં વધારે, કટની ૧૪૭ ટકા-સામાન્ય કરતાં વધારે  અને શિવની ૧૩૫ ટકા-સામાન્ય કરતાં વધારે. ૨૬મી ઑગસ્ટના વરસાદના આ આંકડા પર SSPના સત્તાવાળાઓએ ધ્યાન આપવું જ જોઈતું હતું અને આ માહિતી સ્પષ્ટ રીતે  જરૂરી પગલાં લેવા માટે ઉપયોગી હતી.

એ જ રીતે,  IMDએ મધ્ય પ્રદેશમાં નર્મદા ખીણના જિલ્લાઓમાં ૨૭મી ઑગસ્ટે પડેલા વરસાદના આંકડા ૨૮મી ઑગસ્ટની સવારે આપ્યા છે તે તો વધારે ગંભીર ચેતવણી જેવા છેઃ  નરસિંહપુરાઃ ૧૫૨.૬ મિમી, રાયસેનઃ ૧૧૦.૫ મિમી, હોશંગાબાદઃ ૮૧.૮ મિમી, બાલાઘાટઃ ૮૩ મિમી,  છિંદવાડાઃ ૬૮.૫ મિમી દિડોરી ૪૯,૮ મિમી, જબલપુર ૫૮.૯ મિમી, માંડલા ૭૪.૨ મિમી, શિવનીઃ ૬૭.૪ મિમી. આમ, ૨૭મી ઑગસ્ટના વરસાદના આંકડા બીજી એક મોટી ચેતવણી જેવા હતા.

IMDએ ૨૯મી ઑગસ્ટની સવારે નર્મદા ખીણના જિલ્લાઓમાં ૨૮મીએ વરસાદના જે આંકડા બહાર પાડ્યા છે તે તો એનાથી પણ ઊંચા ગયા  બેતુલઃ ૧૪૨.૪ મિમી, હરદાઃ ૧૧૧.૧ મિમી, હોશંગાબાદઃ ૧૯૧.૧ મિમી, રાયસેનઃ ૧૧૪.૫ મિમી, શિહોરઃ ૮૭ મિમી, બાલાઘાટઃ ૯૦.૭ મિમી, છિંદવાડાઃ ૨૫૦.૬ મિમી, નરસિંહપુરઃ ૧૩૮.૪ મિમી, શિવનીઃ ૧૩૦.૭ મિમી. આવો ભારે વરસાદ SSPના સતાવાળાઓ માટે વધારાની ચેતવણી જેવો બની રહેવો જોઈતો હતો.

આ આંકડા ખરેખર કેટલો વરસાદ થયો તેના છે. હકીકતમાં, IMDનો વરસાદ માટેનો વર્તારો તો આ દરેક તારીખ માટે પહેલાંથી જ ઉપલબ્ધ હતો. એ પણ જરૂરી પગલાં લેવા માટે ઉપયોગી માહિતી હતી કારણ કે ટૂંકા ગાળાના વર્તારા અચૂક હોય છે.

CWCએ જુદી જુદી રીતે ચેતવણી અને ઍડવાઇઝરીઓ પણ આપી હતી પરંતુ SSPના કર્તાધર્તાઓએ CWCના પૂર વિશેના દૈનિક રિપોર્ટો અને  ઍડવાઇઝરીઓ પર ધ્યાન જ ન આપ્યું. એનાં કેટલાંક મહત્ત્વનાં પાસાં નીચે રજૂ કર્યાં છેઃ

૨૬. ૦૮. ૨૦ SSP માટે વરસાદની ચેતવણી/ SSP/ તવા/ બરના: નહીં
બારગી: હા

૨૬. ૦૮. ૨૦ ISP અને OSP માટે પાણીની આવકની આગાહીઃ પાણીની આવક ઘટશે.

૨૭. ૦૮. ૨૦ ISP અને OSP માટે પાણીની આવકની આગાહીઃ સ્થિર. બારગીઃ પાણી વધશે.

૨૭. ૦૮.૨૦  CWC ની ઍડવાઇઝરો આ પ્રમાણે હતીઃ  “નદીઓ….નર્મદા…, પૂર્વ મધ્ય પ્રદેશઃ… આવતા બે દિવસમાં ભારે વરસાદાને કારણે નદીઓ ઊંચે ચડવાની શક્યતા છે… મધ્ય પ્રદેશમાં… બારગી ડૅમ…. બહુ ઘણું પાણી આવવાની ધારણા છે. મધ્ય પ્રદેશમાં શહડોલ. બાલાઘાટ, જબલપુર,માંડલા, શિવની, છિંદવાડા, બેતુલ્માં ચાંપતી નજર રાખવાની છે. પૂરની ચેતવણી આપી હોય તેવા જિલ્લાઓ નર્મદા કાંઠાના બધા જિલ્લા હતા.

જળાશયો માટે વરસાદની ચેતવણી  આપી હોય તેવાં સ્થળોઃ બારગી, ISP, તવા, બરના: હા. SSP: નહીં.

૨૮. ૦૮. ૨૦ પાણીની આવકની આગાહીઃ ૩,૨૦૦ ક્યુમૅક (વધશે); OSP ૪,૯૦૦ ક્યુમૅક (વધશે); બારગી ૪,૦૦૦ ક્યુમૅક (વધશે); તવા ૬,૦૦૦ ક્યુમૅક (વધશે);

૨૮. ૦૮. ૨૦. CWC એ આપેલી ઍડવાઇઝરી આ પ્રમાણે હતીઃ  “મધ્ય પ્રદેશમાં….નર્મદા નદી…. આવતા ૨-૩ દિવસમાં અતિ ભારે વરસાદની આગાહી હોવાથી ઝડપભેર ચડે એવી ધારણા છે…મધ્ય પ્રદેશમાં… બારગી ડૅમ, બરના ડૅમ, તવા ડૅમ, ઇંદિરા સાગર ડેમ, ઓમકારેશ્વર ડેમ…માં  પાણીની બહુ ઘણી આવક થશે.  મધ્ય પ્રદેશમાં  શહડોલ, બાલાઘાટ, જબલપુર, માંડલામ શિવની, છિંદવાડા, બેતુલ, નરસિંહપુર, રાયસેન, પૂર્વ અને પશ્ચિમ નિમાડ, ધાર જિલ્લાઓમાં ચાંપતી નજર રાખવી…

“ગુજરાતમાં… નદીઓ નર્મદા… આવતા ૩ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે…ગુજરાતમાં…સરદાર સરોવર ડૅમમાં વધારે પાણી આવવાની શક્યતા છે.  

ડેમો માટે વરસાદની ચેતવણીઃ બરના, બારગી, ISP, તવા હા (લાલ), SSP: હા (નારંગી)

એ ખરું કે, CWCની આગાહીઓ અને ઍડવાઇઝરીઓ વધારે સ્પષ્ટ, વધારે ધારદાર અને વધારે સારી હોવી જોઈતી હતી, પરંતુ માહિતીનો બીજો સ્રોત પણ હતો જેનો ઉપયોગ SSPના અધિકારીઓ SSDમાંથી  પાણી વહેલું છોડવા માટે કરી શક્યા હોત.  અહીં હું CWCની ચેતવણીઓ અને ઍડવાઇઝરીઓની છણાવટ કરવા નથી માગતો કારણ કે એ જુદો જ વિષય છે.  અહીં મુખ્ય મુદ્દો એ છે કે SSPના અધિકારીઓને આ ઍડવાઇઝરીઓમાં ચેતવણીઓ – કેટલીક સ્પષ્ટ, કેટલીક અસ્પષ્ટ – મળી જ હતી, જેનો એ ઉપયોગ કરી શક્યા હોત, પણ સાફ દેખાય છે કે એમણે ઉપયોગ ન કર્યો.

આગોતરા ઉપાયોથી વિનાશક પૂરને કેમ રોકી શકાયાં હોત એ યાદ રાખવાનું છે કે કોઈ પણ ડૅમમાં પાણીની વધઘટનું નિયંત્રણ બરાબર ન થતું હોય તો એ વિનાશનું કારણ બને છે. જો કે, ડૅમ પૂરને હળવું કરવામાં પણ ભૂમિકા ભજવી શકે છે, પણ એનું નિયંત્રણ બરાબર હોવું જોઈએ. SSD જેવા મહાકાય ડૅમ માટે તો આ વાત વધારે સાચી છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) અને બીજા ગુજરાત સરકારના જવાબદાર અધિકારીઓએ જવાબદારીપૂર્વક જ વર્તવું જોઈએ કે જેથી ડેમનું સંચાલન બરાબર થાય અને એ ટાળી શકાય એવી હોનારતનું કારણ ન બને. એ લોકો બધી જ ઉપલબ્ધ માહિતી, જેમ કે, વરસાદના વર્તારા, જળગ્રાહી વિસ્તાર, ખરેખર કેટલો વરસાદ  થયો તેની માહિતી અને નદીના પ્રવાહ અંગેની જાણકારી, ઉપરવાસમાં બનેલા ડૅમ અને એમાંથી જતા પાણીની નોંધ અને CWCનું ફ્લડ ફૉરકાસ્ટિંગ,  NCAનાં બુલેટિનોનો ઉપયોગ કરી શકે. પરંતુ કોઈ પણ સંજોગોમાં તેઓ દોષનો ટોપલો બીજાને માથે ચડાવી ન શકે. ખાસ કરીને આ કિસ્સામાં એમણે પૂરનું સર્જન કર્યું છે ત્યારે ડૅમને લગતી બધી કાર્યવાહી માટે એ લોકો જવાબદાર છે.

ઉપર દેખાડ્યું છે તેમ SSPના કર્તાધર્તાઓ પાસે આગોતરા ઉપાયો કરવા માટે જોઈતી બધી માહિતી હતી. કંઈ નહીં તો ૨૬મી ઑગસ્ટની સાંજથી – આમ તો એનાથીયે પહેલાં –  એ લોકો ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરી શક્યા હોત. એમણે ધીમે ધીમે, ધારો કે ૪ લાખ ક્યુસેક (૧૧,૩૦૦ ક્યુમૅક, આ આંકડા માટે નદી કેટલા પાણીનું વહન કરી શકે છે એ નક્કી કરવાનું જરૂરી છે) પાણી છોડવાનું શરૂ કર્યું હોત તો આ પ્રમાણમાં હળવો જથ્થો તે ૨૬મી ઑગસ્ટથી શરૂ કરીને ૧૦ દિવસ સુધી છોડી શક્યા હોત અને ૨૬ ઑગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી SSDમાં આવેલા પાણીનો નિકાલ કરી શાક્યા હોત. SSPમાં ૨૬થી ૨૯ ઑગસ્ટ સુધીમાં કદાચ પાણીની સપાટી નીચે ઊતરી હોત, ૨ સપ્ટેમ્બર સુધી થોડા વખત માટે ઊંચે ચડી હોત અને ફરી ઘટીને આજની સપાટીએ આવી જાત. આનો અર્થ એ કે હેઠવાસમાં પૂરની આફત ન આવી હોત. તેને બદલે, રોજનું ૪ લાખ ક્યુસેક પણી છોડવાથી એ આખા  SSDની આસપાસના ૧૬૦ કિલોમીટરમાં બધા પ્રદેશોમાં પહોંચ્યું હોત અને એ નદી માટે, ભૂગર્ભ જળ અને ઈકોસિસ્ટમ માટે બહુ સારું થયું હોત.

આ તારાજી માટે SSP અને ગુજરાત સરકારના અધિકારીઓને જવાબદાર ઠરાવવા જોઈએ.  તે ઉપરાંત, સરદાર સરોવર ડેમના મૉનિટરિંગ અને સ્ટાંડર્ડ ઓપરેશન પ્રોસીજરમાં પણ  નદી હેઠવાસમાં કેટલું પાણી લઈ જઈ શકે છે તે તપાસીને ફેરફાર કરવાની જરૂર છે. SSDના રૂલ કર્વ અને SOPની નિર્ણય પ્રક્રિયા લોકો સમક્ષ આવ તે જરૂરી છે. આશા છે કે ગુજરાત સરકાર, NCA, CWC, નૅશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી, મીડિયા અને ન્યાયતંત્ર, બધાં આની નોંધ લેશે અને ડેમના સંચાલકોને જવાબદાર ઠરાવવાનાં પગલાં લેશે.

હિમાંશુ ઠક્કર (ht.sandrp@gmail.com),
Translated by Dipak Dholakia (dipak.dholakia@gmail.com)

For original English version, see: https://sandrp.in/2020/09/02/sardar-sarovar-creates-avoidable-flood-disaster-in-bharuch/

સંદર્ભ:

[i] https://timesofindia.indiatimes.com/city/surat/21-bharuch-villages-on-alert-after-sardar-dam-opens-gates/articleshow/77827120.cms

[ii] https://www.aninews.in/news/national/general-news/gujarat-floods-low-lying-areas-affected-after-water-released-from-narmada-dam20200831224345/

[iii] https://watchgujarat.com/india/gujarat/bharuch/gujarat-narmada-sardar-sarovar-dam-water-storage-capacity-6-25-crore-gujarati/https://watchgujarat.com/india/gujarat/bharuch/watchgujarat-bharuch-flooded-people-rescued-water-logged/https://watchgujarat.com/india/gujarat/bharuch/gujarat-narmada-garudeshwar-mahadev-temple-drwan-into-narmada-river-live-video/   

[iv] https://timesofindia.indiatimes.com/videos/city/ahmedabad/watch-low-lying-areas-in-gujarats-bharuch-face-intense-flooding/videoshow/77857646.cms

[v] http://ffs.tamcnhp.com/

[vi] http://nca.gov.in/dsr.htm

2 thoughts on “ભરૂચમાં પૂરની તારાજી માટે સરદાર સરોવર જવાબદાર

  1. આઈ.એ.એસ. ઓફિસર ની હાજરીમાં આવુ ગેરવર્તણૂક થાય એના માટે કોણ જવાબદાર.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.